Thursday, July 23, 2020

ક્યાં, કશું...?

 

ખબર જીવવાની શ્વાસ એના ચાલે છે

ક્યાં, કશું એમને સાલે છે?

 

બુઠ્ઠા કપમાં અડધી ચા અને ખારીનો નાસ્તો

પછી હરખથી  હાથમાં ઝાડુ ઝાલે છે.

ક્યાં, કશું એમને સાલે છે?

 

પાછો મારાજ ભણે મંત્ર ચાર વેદના

પણ ટીલી પેલી કાળી એમના ભાલે છે .

ક્યાં, કશું એમને સાલે છે?

 

ખેંચતાંઢોર જેનાં ખેંચાઈ ગયાં ચામડાં

ભભરાવે મીઠું તોય મસ્તીમાં મ્હાલે છે .

ક્યાં, કશું એમને સાલે છે?

 

સાળ તો ભૂલી પડી મિલોના શહેરમાં

ને મરેલી મિલના સંચા ક્યાં ચાલે છે?

ક્યાં, કશું એમને સાલે છે?

 

એણે ક્યાં ફિકર છે? કશી ક્યાં ખબર છે?

આજનું મોત હવે આવતી કાળે છે

ક્યાં, કશું એમને સાલે છે?

 

ઉઠેલી આંગળી હાથ સદા ઝાલે છે

જાદુ જાદવ જુઓ, એમનો ચાલે છે

જાદુ જાદવ  જુઓ , એમનો ચાલે છે,,,

જાદુ જાદવ જુઓ એમનો ચાલે છે

Wednesday, May 20, 2020

શબ


 

એક શબ પડી રહ્યું છે .
એનાં ચારેય અંગ ખદબદી રહ્યાં છે.પણ,
એ પ્રાણપ્યારું છે.
તેથી કેટલાક માથે લઇ
ફર્યા કરે છે એ દુર્ગંધને
ને ગૌરવ કાર્ય કરે છે.
શબ માથું ફાટી જાય
એવી દુર્ગંધ ફેલાવી રહ્યું છે - અત્ર-તત્ર-સર્વત્ર!
કેટલાક જણ
જાતજાતનાં અત્તર છાંટી
એને સુગંધિત રાખવાના
પ્રયત્નોમાં રચ્યાપચ્યા છે.
પણ નાકવાળા
આ બદબૂ સહેવા હરગીઝ તૈયાર નથી.
તેઓ જેમ બંને તેમ
જલ્દી દફન કરવા માગે છે આ શબને .
એટલે આ નાકવાળા ને
મજબૂત હાથવાળા લોકોએ
ખૂબ પરિશ્રમ રી
તૈયાર કરી છે એક શબપેટી.
શબને અંદર મૂકી
બસ! પેટી બંધ કરવાની વાર છે.
એક આખરી ખીલી અને
રામનામ સત્ય હૈ!
મૃતકના ગુણ ગાવા જોઈએ , રિવાજ છે.
પણ મૃતને કોઈ ગુણ નહોતા , તેથી
એ રિવાજ પાળી શકાય એમ નથી.
મૃતકને એના રસ્તે જતો
હવે વાળી શકાય એમ નથી.

Saturday, April 14, 2018

કવિતા




કવિતા કંઈ કરી શકતી નથી દોસ્ત!
કવિતાએ કંઈ કરવાનું નથી .
હા, એ કદાચ
શીખવાડી શકે તને
લડતાંલડતાં જીવવાનું,
જીવતાંજીવતાં લડવાનું
હક્ક માટે મારવાનું.

કવિતા ચેપ લગાડી શકે પ્રતિબદ્ધતાનો,
કવિતા લેપ લગાડી શકે
તારા યુગ-જૂના જખમોને.
બહારની દુનિયામાં
તને એક ડગલું
ચલાવી નહીં શકે કવિતા !
હા ,તને ખેપ કરાવી શકે
તારી અંદરની દુનિયામાં.
કદાચ...
તું પ્રગટી જાય...
ને પછી
ભીતર-બહાર અજવાળાં..
બાકી
કવિતા કંઈ કરી શકતી નથી દોસ્ત!
કવિતાએ કંઈ કરવાનું નથી.
જે કરવાનું છે
તારે કરવાનું છે .
કવિતાને પ્રતીક્ષા છે-
તારા જેવા જણની
કેમકે
કવિતા તારા માટે જીવી રહી છે.
કવિતા તારા વગર મરી રહી છે.