કવિતા કંઈ કરી
શકતી નથી દોસ્ત!
કવિતાએ કંઈ
કરવાનું નથી .
હા, એ કદાચ
શીખવાડી શકે તને
લડતાંલડતાં
જીવવાનું,
જીવતાંજીવતાં
લડવાનું
હક્ક માટે
મારવાનું.
કવિતા ચેપ લગાડી
શકે પ્રતિબદ્ધતાનો,
કવિતા લેપ લગાડી
શકે
તારા યુગ-જૂના
જખમોને.
બહારની દુનિયામાં
તને એક ડગલું
ચલાવી નહીં શકે
કવિતા !
હા ,તને ખેપ
કરાવી શકે
તારી અંદરની
દુનિયામાં.
કદાચ...
તું પ્રગટી
જાય...
ને પછી
ભીતર-બહાર
અજવાળાં..
બાકી
કવિતા કંઈ કરી
શકતી નથી દોસ્ત!
કવિતાએ કંઈ
કરવાનું નથી.
જે કરવાનું છે
તારે કરવાનું છે
.
કવિતાને
પ્રતીક્ષા છે-
તારા જેવા જણની
કેમકે
કવિતા તારા માટે
જીવી રહી છે.
કવિતા તારા વગર મરી
રહી છે.
No comments:
Post a Comment