મળઅ નજર તો ઉડઅ સઅ ધારિયાં,
હાળા જબરા પડ્યા સઅ ઑંશખારિયા !
દોણો હતો આખો ઇના પડ્યા સઅ ફાડિયા,
કનાં સઅ પાપ ઇના હોધો 'લ્યા હાડિયા,
વેર સઅ એવાં જોણઅ બાપનાં મારિયાં !
હાળા જબરા પડ્યા સઅ ઑંશખારિયા !
વીર પાચ્યો એવો કઅ ડૂબતાનં તારિયા,
કનાં સઅ પાપ તરતાનં ડૂબાડિયા ?
ઝેર સઅ એવાં જોણઅ હાપનાં મારિયાં !
હાળા જબરા પડ્યા સઅ ઑંશખારિયા !
જળ હતાં મેઠાં ઇનાં કર્યાં સઅ ખારિયાં,
કનાં સઅ પાપ ઇનઅ મેલો 'લ્યા ધારિયાં,
કેર કરઅ ચેવો આ કાળના મારિયા !
હાળા જબરા પડ્યા સઅ ઑંશખારિયા !
મળઅ નજર તો ઉડઅ સઅ ધારિયા,
હાળા જબરા પડ્યા સઅ ઑંશખારિયા !
ઑંશખારિયા = ઇર્ષ્યા, વેરઝેર, કટુતા
હાડિયા = કાગડા