Wednesday, November 13, 2024

એ ય જીવણીયા !

(આ કવિતા ઉના કાંડ બન્યો તેના દસ વર્ષ પહેલાં લખાયેલી છે. જીવણીયો એક નામ છે, છે અને નથી.)

 એ ય જીવણીયા !

એ ય જીવણીયા !
ભાથીડાં ! તુ ચોંમડાં ઉતેડી નાંશનારો
તારું જ ચોંમડું ઉતેડી
લોકનાં પગની જૂતી થૈ;
ચોં હુધી ઘહાતો ર'યે 'લ્યા ?
ચોં હુધી ઘહાતું રેહઅ 
તારું આડું નઅ તારી સરી ?
ચોં હુધી દાતેડી લૈ 
વાઢતો ર'યે
તારાં વરહ પર વરહ ?
જીવણીયા ! 
ભાથીડા !
તારા હાથમઅ આડું, સરી નઅ દાતેડી !
તો ય 'લ્યા ચમ જાણઅ નઅ તાણઅ,
નેતરી જાય સઅ તારી પોતડી?
ચમ ફફડઅ સઅ ઓંમ પોંદા ઘોડમ?
તું તો 'લ્યા મૉણહ સઅ કઅ હોલો?!
મૉણહ હોય 
તો મેલ લોકનાં ઘોઘળઅ સરી
અનઅ દે ભોડામઅ આડું.
દાતેડીથી 'લ્યા વાઢવા હોય તો માથાં ય.....
લે હેંડ જીવણીયા, હેંડ.
મારા બાપ ! અવઅ તો હેંડ !
 

No comments:

Post a Comment