Saturday, April 14, 2018

કવિતા




કવિતા કંઈ કરી શકતી નથી દોસ્ત!
કવિતાએ કંઈ કરવાનું નથી .
હા, એ કદાચ
શીખવાડી શકે તને
લડતાંલડતાં જીવવાનું,
જીવતાંજીવતાં લડવાનું
હક્ક માટે મારવાનું.

કવિતા ચેપ લગાડી શકે પ્રતિબદ્ધતાનો,
કવિતા લેપ લગાડી શકે
તારા યુગ-જૂના જખમોને.
બહારની દુનિયામાં
તને એક ડગલું
ચલાવી નહીં શકે કવિતા !
હા ,તને ખેપ કરાવી શકે
તારી અંદરની દુનિયામાં.
કદાચ...
તું પ્રગટી જાય...
ને પછી
ભીતર-બહાર અજવાળાં..
બાકી
કવિતા કંઈ કરી શકતી નથી દોસ્ત!
કવિતાએ કંઈ કરવાનું નથી.
જે કરવાનું છે
તારે કરવાનું છે .
કવિતાને પ્રતીક્ષા છે-
તારા જેવા જણની
કેમકે
કવિતા તારા માટે જીવી રહી છે.
કવિતા તારા વગર મરી રહી છે.

તૈયારી કરો




આ પાર કે પેલે પાર- તૈયારી કરો!
હવે ડૂબવું નથી મઝધાર- તૈયારી કરો!

શાની અવઢવ , શાનો ડર છે?
આભલાને કોનો આધાર- તૈયારી કરો!

જંગ જીતવાને કૂદી પડો,
સજાવી લો તલવાર- તૈયારી કરો!

ઝૂકી જશે આકાશ આખું,
નજર ઉઠાવો પળવાર- તૈયારી કરો!

મંઝિલ ભરી લો આંખમાં,
ઓ હણહણતાં તોખાર- તૈયારી કરો!

એકરારનામું


નદીનું મૂળ અને ઋષિનું કૂળ
પૂછાય નહીં.
ડાહ્યા  માણસોએ કવિને પણ
ઋષિ કહ્યો છે.
હુંય કવિ.
પણ મને ખબર છે-
મારી કવિતા વિશે
કોઈ કશું નહીં કહે.
પરંતુ મારાં કૂળ, ગોત્ર, જાતિ વિશે
બધું જ કહેશે.
કદાચ કોઈ પી.એચ.ડી.પણ થઇ જાય.
જ્યાં માણસ નહીં જાતિ જન્મે છે એ ભૂમિમાં
કવિ હોવાની મારી ધારણા
જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.; ત્યારે –
કશું હા-ના થાય
એ પહેલાં –
હું પરસોત્તમ બાબા
આથી જાહેર કરું છું કે –
હું ધર્મે હિંદુ ને
જાતનો વણકર છું.
ઉપર્યુક્ત હકીકતો
મારી જાણ
અને માન્યતા મુજબ
સંપૂર્ણપણે સાચી છે.
-સાંભળો છો દોસ્તો?

પગ


રસ્તો હતો;
પગ હતા,
પણ પગલાં નહોતાં !
પગલાં વગરના પગે
મર્યા કર્યું કે પછી,
જીવ્યા કર્યું....
જે હોય તે.
પણ, પગ છે તો હવે, ચાલશે...!
પગનો સ્વભાવ છે -
પાડશે પગલાં...
પગને હવે, રોકી શકાશે નહીં;
પગને હવે, ટોકી શકાશે નહીં,
પગને હવે, ઠોકી શકાશે નહીં.
જીવવું હોય તો જીવો હવે;
મરવું હોય તો મરો હવે,
જે કરવું હોય તે કરો હવે.
પણ પગ છે તો હવે, ચાલશે...!
પગનો સ્વભાવ છે -
પાડશે પગલાં, 
કુમકુમ...
બહુ ઠોકરો ખાધી પગે,
હવે મારશે ય ખરા !
પગ પાસે ય વિચાર છે
ને આગવા ઉપચાર છે.
પગ હવે સ્પર્ધક છે. 
દોડશે...
છલાંગો ભરશે...
ભલે હોય કપરાં ચઢાણ
શે...
ભલે હોય ઊંચેરાં ઉડાણ
શે... શે...
    ડ ડ
       ઊ
પગને હવે, પાંખો ફૂટી છે;
પગને હવે, આંખો ફૂટી છે,
પગની નજરમાં આશ છે;
પગના સપનાં ય ખાસ છે.
પગ હવે, આગળ છે.
દુનિયા આખી પાછળ છે.

પગ હવે, આગળ છે.....


વોટ એટલઅ




વોટ એટલઅ
કુનઅ મનઅ પુસઅ સઅ?
એ તો ભઈ, જેવો લેનાર નઅ જેવો આલનાર .
વોટ એટલઅ ચવોણું
પચા કઅ હો,
અડધી ચા નં ગલાસ પોણી
ગડી બીડી નં પેટી એક.
વળી ધુમાડા ધોળીના !
અચેક પોટલી- હળી મારેલી!
નં ઉપર નવટોંક ચીખી સેવો.
વોટ એટલઅ ટેસડો !
ચોંક વળી ધોતી નં ચોંક હાડી .
ચોંક વર પેરઅ નં ચોંક લાડી .
વોટ એટલઅ ભર્યું –પૂર્યું દે’જ !

વોટ એટલઅ ટેકરાવાળો વાહ.
મેલો-ઘેલો-ગંધાતો, નાગોપૂગો.
પેલઅ તો પોંચ વરસે થતી મુલાકાત.
અવઅ વરસે વરસે .
વોટે દિયોર , જબરું કર્યું સઅ !
વાહમં ઓન્તા ઉપર ઓન્તા
નં ફોંટા ઉપટ ફોંટા!
જુભ ભેળાં ટોનતેયા  ય ઘહઈ જાય .
પણ હું થાય?
ભઇ-બાપા કરવું પડઅ.
દા’ડો  હોય કઅ રાત , જવું પડઅ.
શેટઅ તો શેટઅ , ટેકરે હોય કઅ હેઠઅ .
વોટે દિ...યોર , જબરું કર્યું સઅ !
વોટ એટલઅ પાયલાગણ
કુણ દાતા નં કુણ માગણ .
વોટ એટલઅ થોડાં બોરાં
નં વળતમં કલ્લી
આ તો વોટ સઅ
જળવાય એટલું જાળવવું પડઅ.
ચળાય એટલું  ચાળવું પડઅ.
ઘોડું હોય કઅ ગધાડું – જાતવોન જોવઅ.
દશેરાના દાડઅ દોડવું જોવઅ.
વોટ એટલઅ પડીકઅ જીવ.
ફફડતું મૂન !
ચારેકોર ભેંકાર... ભડાકા .
નાગી તરવેરો નં ધૈડ ધૈડ ભડાકા.
ચૂં ક ચા.
થપ્પા પર થપ્પા.
ગપ્પાં પર ગપ્પાં.
ભારે મતદોન નં એકંદરે શોન્તી!
વોટ એટલઅ ખરાખરીના ખેલ,
ઘરના દીવા નં ઘરનું તેલ!
કોંય હમજ્યો ભઇ?
વોટ એટલઅ કુણ ?
વોટ એટલઅ સું?
વોટ એટલઅ હું નં
વોટ એટલઅ તું!

પગનું કાંક કરો !




આ તો દિયોર ! હેંડવા મોંડ્યા, પગનું કાંક કરો !
આ તો દિયોર ! દોડવા મોંડ્યા, પગનું કાંક કરો !

એટલઅ તો બાયણું કર્યું તું આડું
અન હાંકળે માર્યુંતું તાળું,પણ
આ તો દિયોર ! પેહવા મોંડ્યા, પગનું કાંક કરો !

એટલઅ તો ધખાયોતો  ધૂણો
કઅ પગનં લાગઅ લૂણો,પણ
આ તો દિયોર ! પોંચવા મોંડ્યા, પગનું કાંક કરો !

એટલઅ તો બોંઘી રાખીતી ચોટી
અનં હાથમાં રાખીતી હોટી,પણ
આ તો દિયોર ! ભોંડવા મોંડ્યા, પગનું કાંક કરો !
       
એટલઅ તો બહુ મોટા થ્યાતા
અનં થવાય એટલા ખોટા થ્યાતા,પણ
આ તો દિયોર ! ચોડવા મોંડ્યા, પગનું કાંક કરો !

એટલઅ તો કીધા ભેદ, એક ઊંચો એક નેંચો
અનં ઓસુંતું તે વચમં ચણી ભેંતો,પણ
આ તો દિયોર ! તોડવા મોંડ્યા, પગનું કાંક કરો !

આ ગામ




આ  ગામ

લીલાછમ બાવળો 
આ ગામના ભોંકાય છે...
ને સ્મૃતિઓ
હજી ય કણસ્યા કરે છે.

આ દેવાલય -
એમાં વસેલા દેવ
મને જોઈને 
જાણે સંકેલી લે છે -
એમની લીલા !

આ ધૂળિયો રસ્તો -
ડામરની સડક થઈ 
લઈ જાય છે -
ઘેઘૂર વડલે !
વડલા હેઠળ મંડાણી છે -
મૂઈ ભેંસની મોંકાણ !

પેલી *આડી પર
વહી રહ્યો છે -
સદીઓનો બોજ !

આ રામજી મંદિર 
ને આ ગામ-કૂવો !
એનાં પગથાર 
હજી ય કરે છે -
મારાં અસ્તિત્વનો ઇન્કાર !

લો, આવ્યો ગામ-ચૉરો.
અહીંથી દૂ.....ર
ખાંભી જેવો દેખાય
એ મારો વાસ.
ગામમાં ઊગેલો સૂર્ય 
અહીં આથમી જાય છે !

હા, મારો વાસ.
અહીં ખોળિયાં વેંઢીને
જીવે છે શ્વાસ -
જીર્ણ-શીર્ણ, ક્ષત-વિક્ષત...
યુગ-યુગથી.

પડવાને વાંકે ઊભેલાં 
આ માટીનાં ઘર
ને આ છાપરાં નોંધારાં
ચૂવાને વિવશ
આંખોનાં અજવાળાં !...

આ ગામનો 
બસ ! આટલો વારસો છે !
તો ય,
આ મારું ગામ !
આ ગામનો હું !!
ભલે કહી લો તમે.

પણ,

આ ગામ મારું નથી !
આ ગામ મારું નથી !!
આ ગામ, મારું નથી !!!

*આડી (આડું) = મૃત ઢોરને એનાં બન્ને છેડે બે પગ બાંધીને ખભે ઊંચકીને લઈ જવાતું વચ્ચેથી જાડું અને બન્ને કિનારેથી સ્હેજ પાતળું એવું એક મજબૂત લાકડું (સાગનું કે સીસમનું)


તું જાગન




(આપણા સમાજમાં ભાણેજિયાંઓને ઘણું મહત્વ આપવામાં આવે છે. આપણને આપણી ફઈ, માસી અને ખાસ કરીને દીકરી, બહેનનાં ભાણિયાં ખૂબ જ વહાલાં હોય છે. એટલાં વહાલાં કે એમનાં બધાં દોષ, ભૂલો સહજતાથી માફ કરી દઈએ છીએ. ભાણેજિયું નાનું હોય અને બહુ ધમાચકડી, તોફાન મચાવતું હોય, ઘરમાં તોડ-ફોડ મચાવતું હોય તો ય આપણે એને ધમકાવતા, ડરાવતા નથી; બલ્કે, 'ભઈ, બાપા' કેવું મોનનઅ, એમ કહી મનાવતા હોઈએ છીએ. આટલી લાંબી પ્રસ્તાવના એટલા માટે કરી કે હવે, તમારો કવિ જે કવિતા મૂકવા જઈ રહ્યો છે એમાં કવિએ સમાજને બેનના ભાણિયા સમાન સમજી, એને લાડ-પ્યાર, આદર આપીને પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અસ્તુ.)

 

પૉણી ન'તું, દૂધ મળ્યું; હારાં હારાં ખૉણાં,
રાત ઓઢી હૂઈ... રયા સઅ, દીવા કરી રૉણા,
તું જાગનં ભૉણા !

આવતઅ આવતઅ આઈ જહઅ ટોણાં,
જાગતઅ જાગતઅ વઈ જહઅ વૉણાં,
તું જાગનં ભૉણા !

'મું કરે', 'મું કરે' ઇમઅ રઈ... જહઅ શૉણા,
ગૉંમ આખું અહશે નં દઈ જહઅ ટૉણા,
તું જાગનં ભૉણા !

'મર' કે'તઅ મરી જતાં, એવાં હતાં મૉણાં,
હાપ લઈ જ્યા લીહોટા નં રઈ જ્યા ગૉણાં,
તું જાગનં ભૉણા !

ઘર સઅ તારું, તું થાપી જો થૉણાં,
ધીજ આલઅ ભીમડો, તું નાંખી જો દૉણાં,
તું જાગનં ભૉણા !

પૉણી ન'તું, દૂધ મળ્યું; હારાં હારાં ખૉણાં,
રાત ઓઢી હૂઈ... રયા સઅ, દીવા કરી રૉણા,
તું જાગનં ભૉણા !

 *- પુરુષોત્તમ જાદવ* 

દીવો રાણો કરવો = દીવો બૂઝાવવો 
મું = હું
ટૉણાં = 1. અવસર, 2. મહેણાં
મૉણાં = માણસો
અમુક કામ કરવું કે નહીં, એ માટે ભૂવા લોકો દાણા નાખી 'વેણ' *બેકી સંખ્યા* કે વધઈ ' *એકી સંખ્યા* માગતા હોય છે ને એમના માગ્યા મુજબના દાણા પડે તો એ કામ માટે દેેવની 'પરવાનગી છે', એમ માનવામાં આવે છે. આ કવિતામાં ભીમરાવ આંબેડકરને 'દેવ' માની એમની પાસેથી આવી 'ધીજ' લેવાની વાતનો પ્રયોગ તમારા કવિએ ખપમાં લીધો છે.

તું




લળીલળીને તું કેટલું લળીશ?
વળીવળીને તું કેટલું વળીશ?

તેલ જેવી જાત તારી ભૂલી ગયો?
ભળી ભળીને તું કેટલું ભળીશ?

દેશ વેશ સાવ જુદાં આપણા
હળીહળીને તું કેટલું હળીશ?

પાવયનું અહી કોણ ખાય છે?
રળી રળીને તું કેટલું રળીશ?

ઊગતા સૂર્યનો દેશ આપણો
ઢળી ઢળીને તું કેટલું ઢળીશ?

‘લ્યા




હળવળ – હળવળ થઇ રયું લ્યા,
ચળવળ જેવું કરીએ.

ચડભડ- ચડભડ થઈ રયું ‘લ્યા
ગડબડ જેવું કરીએ.

આટલું ટાઢું?!  હેમ જેવું ‘લ્યા ?!
ભડભડ જેવું કરીએ.

વા વાયો નં નળિયું ખસ્યું ‘લ્યા ,
ખળભળ જેવું કરીએ.

એક વેલાનાં- હું નં તું ‘લ્યા
લઢ –વઢ જેવું કરીએ.

હગાં સઅ




અડધાં પહેર્યાં નઅ અડધાં નાગાં સઅ
હોય ભઈ હાચવજો, હગાં સઅ.

હોંકડા મનમં પેહાશે? ચોં જગા સઅ?
હોય ભઈ હાચવજો, હગાં સઅ.

લીલી પીળી અદેખઈ નઅ , ભેનાં ભેનાં દગા સઅ,
હોય ભઈ હાચવજો, હગાં સઅ.

મેશી, મૂજી, મેશાળા- પણ પાઘડીનાં છોગાં સઅ,
હોય ભઈ હાચવજો, હગાં સઅ.

કોઈ ડાહ્યાં, કોઈ ગોંડા, મગાં ભેળાં ભગા સઅ ,
હોય ભઈ હાચવજો, હગાં સઅ.



અમે એટલે



તમે અમારું કાસળ કાઢવા
અમને ભોંયમાં ભંડાર્યા...
ને પછી  સૂકાં ભઠ્ઠ
જીવતર અમારાં
સદીઓ સુધી
બસ એમ જ તરસતાં રહ્યાં...
અચાનક,  એક ઝંઝાવાત
ક્યાંથી આવી ચડયો
એ વરસી પડ્યો
ધો
મા
ર ...
બધે જ જળબંબાકાર...
જળ ત્યાં જીવન!
અમે પથ્થરો ફાડીને હવે
પાંગર્યા છીએ,
મૂળ અમારાં વિસ્તર્યાં છે પાતાળમાં...
અમે ઝૂમીએ છીએ હવાની સાથે
નેચૂમીએ આકાશને માથે .
ધરતી , પાતાળ અને આકાશ હવે
અમારાં છે...
અમે એટલે...
વામનનાં વિરાટ પગલાં !!

ગામ છોડો


માણસ જેવું જીવવું છે ? - ગામ છોડો !
માણસ જેવું મરવું છે ? - ગામ છોડો !

પથ્થર પર નહીં શકો પાંગરી,
ફૂલ છો, ફોરમવું છે ? - ગામ છોડો !

જિંદગી છે જખ્મો લોહી નીંગળતા,
આમને આમ દદડવું છે ? - ગામ છોડો !

સીમ, ખેતર, પાદર કોનાં ? કોનું ગામ ?
શાનું આ ટળવળવું છે ? - ગામ છોડો !

'ગામ-ગામ' ભજવું છોડો; ઉતાર ગામના,
હજુ કેટલું ભરમાવું છે ? - ગામ છોડો !

સાવ સૂની શેરીઓ થઈ જાય ગામની,
કામ એવું કરવું છે ? - ગામ છોડો !

ભલે રહો વાંઝણી આ ગામની માટી,
કોને અહીં જનમવું છે ? - ગામ છોડો !
  


લખું છું




તારી મારી વાત લખું છું
કાજળઘેરી રાત લખું છું.

વસ્તર મારું ફાટ્યું તૂટ્યું
ઉપસે એવી ભાત લખું છું.

મખમલ મખમલ શબ્દો છોડી
લખવામાં આઘાત લખું છું.

સાચેસાચી આખેઆખી
વાતમહીં ઉત્પાત લખું છું.

હું આગળ , તું પાછળ પાછળ
ડગલાં આખાં સાત લખું છું.